પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મથુરાપર્વ

.


જરાસંધની
બીજી ચડાઇ

ધાર્યા પ્રમાણે થોડા વખતમાં જ જરાસંધ પાછો ચડી આવ્યો. આ વખતે કેટલાક અનુભવી યાદવોને એમ લાગ્યું કે ગમે તેટલી વાર જરાસંધ હારે; તોપણ એનું બળ અખૂટ અને યાદવોનું પરિમિત રહ્યું. જરાસંધનો સર્વ ક્રોધ રામ અને કૃષ્ણ પર છે; માટે સારામાં સારો ઉપાય તો રામ અને કૃષ્ણે મથુરા છોડવું એ જ ગણાય.


રામ-કૃષ્ણનો
મથુરાત્યાગ

આવા વિચારથી એ યાદવોએ ભાઇઓને મથુરા છોડવા વિનંતિ કરી. પ્રજાનું હિત જોઇ બે ભાઇઓએ તરત જ એ વિનંતિ સ્વીકારી લીધી અને ક્ષણનો પણ વિલંબ ન કરતાં દક્ષિણમાં કરવીર શહેર આગળ જઈ પહોંચ્યા. ત્યાં એમને પરશુરામનો[૧] મેળાપ થયો. પરશુરામે એમને આજુબાજુના પ્રદેશની અને રાજકીય સ્થિતિની માહિતી આપી. એમની સલાહથી રામ અને કૃષ્ણ ગોમન્તક પર્વતના શિખર ઉપર રહ્યા.


  1. પરશુરામની હકીકત વિદ્યાર્થીએ શિક્ષક પાસે જાણી લેવી. પરશુરામનું અવતારચરિત્ર, દક્ષિણદેશશોધન, કર્ણને અસ્ત્રવિદ્યાનો ઉપદેશ અને શાપ એ વિષેની વાતો વિદ્યાર્થીએ પૂછી લેવી જોઇયે.


૧૧૧