પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

' ગોમન્ત
પર્વતનું યુદ્ધ

રામ-કૃષ્ણ મથુરા છોડી ગયા એ વાતની ખબર પડતાં જરાસંધે એમનો પીછો પકડ્યો. ગોમન્ત પર્વતમાં બે ભાઇઓ સંતાયા છે એવી એને ભાળ પણ લાગી. એમને જીવતા બાળી મુકવાના અથવા લડાઈના મેદાનમાં લડવા માટે આવવા ફરજ પાડવાના ઇરાદાથી શિશુપાળની સલાહથી એણે પર્વતને ચારે ગમથી સળગાવી મુક્યો. ચારે બાજુ ભયંકર અગ્નિ પ્રગટેલો જોઈ, રામ અને કૃષ્ણે પોતાનાં આયુધો લઈ પર્વત પરથી કુદકો મારી જરાસંધના સૈન્ય પર ધસી પડવાનું પસંદ કર્યું. એક શિખરનો આશ્રય લ‌ઇ બન્ને‌એ પોતાની ધનુર્વિદ્યાના પ્રભાવથી જરાસંધના સૈન્યનો સારીપેઠે ઘાણ વાળ્યો. પછી બળરામે હળ અને મુશળથી તથા શ્રીકૃષ્ણે ચક્રથી અનેક વીરોનું કંદન ચલાવ્યું. છેવટે જરાસંધ પરાભવ પામી પાછો ગયો. શ્રીકૃષ્ણ અને બળરામ ગોમન્તક પરથી નીકળી ક્રૌઞ્ચપુર આવ્યા. શિશુપાળનો પિતા દમઘોષ ક્રોઞ્ચપુરનો રાજા અને કૃષ્ણનો ફુઓ થતો હતો. તેણે બે ભાઇઓનો સારો સત્કાર કર્યો અને કેટલુંક સૈન્ય આપી તેમને મથુરા રવાના કર્યા.

૧૧૨