પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાંડવપર્વ

.

કર્યો અને કેદ થયેલા રાજાઓને છોડી મુક્યા. આ સર્વે રાજાઓ પાંડવોને અનુકૂળ થઈ ગયા.

જરાસંઘના મરણના સમાચાર સાંભળી એના મિત્ર પૌંડ્રક-વાસુદેવે કૃષ્ણને દ્વંદ્વયુદ્ધનું નિમન્ત્રણ મોકલ્યું. કૃષ્ણે તે તરત જ સ્વીકાર્યું અને યુદ્ધમાં પરાજિત કરી તેનો પ્રાણ લીધો.

રાજસૂય યજ્ઞ

જરાસંઘનું વિધ્ન દૂર થવાથી પાંડવોના રાજસૂય યજ્ઞમાં હવે કાંઈ અડચણ આવે એમ ન હતું. ધર્મરાજાએ સર્વ રાજાઓને નિમન્ત્રણો મોકલ્યાં. બધા રાજાઓ ભેટસામગ્રી લઈ ઈન્દ્રપ્રસ્થમાં આવ્યા. તે પ્રમાણે કૃષ્ણ પણ આવ્યા. પાંડવના મિત્ર તરીકે કૃષ્ણે પૂજન સમયે બ્રાહ્મણોનાં ચરણ ધોવાનું પોતાને માથે લીધું. અંતે યજ્ઞ પૂરો થયો. અવભૃથસ્નાન થયા પહેલાં મહેમાનોની પૂજા કરવાનું કાર્ય શરૂ થયું. પહેલી પૂજા કોની કરવી એ વિષે ધર્મરાજાએ ભીષ્મનો અભિપ્રાય માગ્યો. ભીષ્મે કૃષ્ણને અગ્રપૂજા માટે યોગ્ય ઠરાવ્યા. પાંડવોને તો આ નિર્ણય બહુ જ ગમ્યો. તે પ્રમાણે સહદેવે તરત જ કૃષ્ણની પૂજા કરી. પણ શિશુપાલથી એ સહન થઈ શક્યું નહિ. એણે પાંડવો અને કૃષ્ણની ખૂબ

૧૨૫