પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

વખતે કૃષ્ણ દૂર સુધી વળાવવા ગયા. શરમના માર્યા સુદામાએ કૃષ્ણની આગળ કશી યાચના કરી નહિ. કદાચ મૈત્રીનો પવિત્ર સમાનતાનો સંબંધ દાતા અને યાચકના હીન સંબંધથી કલુષિત થવાની ધાસ્તીથી કૃષ્ણે પણ વિદાય કરતાં એને કશું આપ્યું નહિ. પણ સુદામાએ ઘેર જઈ જોયું તો પોતાને ઘેર સમૃદ્ધિ જોઈ. આ સર્વ સંપત્તિ કૃષ્ણ તરફથી આવી એમ જ્યારે એના જાણવામાં આવ્યું ત્યારે પ્રેમ અને કૃતજ્ઞતાથી એનુંં હૈયું ભરાઈ ગયું અને કૃષ્ણની મિત્રભક્તિનું વારેવારે આશ્ચર્ય થયા કર્યું.

યાદવોનો
રાજમદ

રાજમદ એ કૃષ્ણના કાળના ક્ષત્રિયોનું પ્રધાન દૂષણ હતું. એ મદનું મર્દન કરવું એ કૃષ્ણના જીવનનું ધ્યેય હતું એમ કહી શકાય. એ ઉદ્દેશથી એમણે રાજ્યલોભી અને ઉન્મત્ત કંસ, જરાસંઘ, શિશુપાળ ઈત્યાદિનો નાશ કર્યો. એ જ ઉદ્દેશથી કૌરવ કુળનું નિકંદન કરાવતાં આંચકો ખાધો નહિ. પણ હવે એ રાજમદ ત્યાંથી ઉતરી સ્વજ્ઞાતિમાં ભરાયો. એમના પ્રભાવથી યાદવો સમૃદ્ધિને શિખરે પહોંચ્યા હતા. એમને 'તું' કહેવાની કોઈની હિમ્મત ન હતી. એટલે એ પણ હવે છકી ગયા. માથે શત્રુ ન રહ્યા

૧૫૦