પૃષ્ઠ:Rasataragini.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સત્કાર
[ પહેલી આવૃત્તિનો ]

જગતમાં કેટલાએક ચહેરાઓ જ એવા હોય છે કે જે હજારો માણસોની મેદનીમાંથી જુદા પડી જાય, નજર પર ચડી જાય, અને અંતરમાં ઊતરીને કાયમનું ઘર કરી રહે-કેમ જાણે એને આપણી સાથે જૂની પિછાન હોય ! બોટાદકરના રાસમાં અનેકનાં વદન પર આપણને એવી જ કોઈ ચિરપરિચિત રેખાઓ આંકેલી લાગે છે. કશા યત્નની જરૂર નહિ, કશી સમજ કે સ્પષ્ટતાની અગત્ય નહિ, આપોઆપ એની મધુર પંક્તિઓ જીભના ટેરવા ઉપર રમવા માંડે છે, ને એક વખત વાંચતા જ યાદદાસ્ત ઉપર છપાઈ જાય છે; મારા મનમાં તો આજ એવી અનેક પક્તીઓ રણઝણે છે. એમાંની કઈનું અહીં ટાંચણ કરું, અને કઈને છોડી દઉં ?

આ પુસ્તકની પ્રસ્તાવના લખવાને માટે હું બે કારણથી લલ ચાયો છું એક તો ગામડાના સાદા ભાવોનો હું ભોગી છું. બોટાદ કરના રાસની અંદર આજે ગામડિયાનું હૃદય જ ગાઈ રહ્યું છે. બીજું, હું આ કવિની અત્યાર લગીની કવિતાનો બહુ અનુરાગી નથી બની શક્યો. મને એની કવિતાની મધુર કલ્પના ગમતી, ભરચક વિભૂતિઓ ભાળીને હું આનંદ લેતો, પણ એમની મુશ્કેલ શબ્દરચના, એમનું કઠોર સંગીત, એમનો સ્વાભાવિક વાકયાડમ્બર-એ બધાને ભેદીને મારાથી અંદર ઉતરાતું નહોતું. 'કાલ્લોલિની', 'નિર્ઝરિણી', અને 'સ્ત્રોતસ્વિની' નાં સુનીલ, સુમનેાહર નીરમાં નહાવાનું મન થાય, પણ ભીતર પડેલા પથ્થરોનો ભારે ભય લાગે.

આ કારણે આ પુસ્તકની તારીફ કરવામાં એમના પ્રત્યે પક્ષપાતનો અપરાધ થઈ જવાની મને ધાસ્તી નથી.