પૃષ્ઠ:Rasataragini.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬


દિલ દીધું તેને જ એક દીધું રે, પોયણી પ્રેમભીની,
એક ઉર તે બને ન કદી બીજું રે, પોયણી પ્રેમભીની;
રહે એવો અખંડ સ્નેહ ઊંડો રે, પોયણી પ્રેમભીની,
ચડો અમને એ અંગહૃદય રૂડો રે, પોયણી પ્રેમભીની.


ભવસાગ૨


(ચાલો જોવાને જઈએ– એ ઢાળ)

જો ! જો ! સખિ ! પેલો સાગર ગાજે,
રંગતરંગ શા રાજે રે !
ભવસાગર ગાજે.

ગાન મધુર રહે કંઈ ગાતો,
કૈંક વદે ઝીણી વાતો રે; ભવસાગર૦

એ સમજે ઉર કેાઈ સુહાગી,
જે રસનાં અનુરાગી રે; ભવસાગર૦

માંહિ ભર્યાં મોંઘાં મૂલનાં મોતી,
ગુણિયલ લે જન ગોતી રે, ભવસાગર૦

ઊભા ખડક એના ઊરમાં અલી !
નાવિક રહે છે નિહાળી રે; ભવસાગર૦

સામે તીરે પ્રભુધામ પનોતાં,
જગતની વાટડી જોતાં રે, ભવસાગર૦