પૃષ્ઠ:Rasbindu.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક જુલ્મથા : ૧૦૫
 

સાંભળીએ છીએ કે પરદેશમાં હિંદવાસીઓને કોઈ પેસવા દેતા નથી. ફિરંગીઓનાં બારણાં એમની સામે બંધ હોય છે.

ફિરંગીઓની વિશીઓમાં હિંદવાસીઓને કોઈ દાખલ કરતું નથી.

ફિરંગીઓની ગાડીમાં હિંદવાસીઓને બેસવા દેવામાં આવતાં નથી.

પરદેશમાં હિંદીઓને રહેવા દે તો તેમને ‘કાળા’ તરીકે ડામ દેવામાં આવે છે, અને એમને રહેવા માટે એક ઢેડવાડો મુકરર કરવામાં આવે છે.

પરદેશીઓ અને પરધર્મીઓ તો આમ કરે એ સમજાય એવું છે. પરંતુ અમારા ધર્મ પાળનાર અમારા ધર્મબંધુઓ આ જુલ્મ અમારા ઉપર કેમ કરતા હશે ? અમારો ધર્મ તો કહે છે—

‘દયા ધર્મ કો મૂલ હય, પાપ મૂલ અભિમાન.’

અમને પતિત ગણનાર પરદેશમાં તો પતિત મનાય, પણ આપણા દેશમાં ય તેમને પતિત ગણનાર ગોરાઓ વસે છે !

અમે શાપ તો દેતા નથી, પણ અમને એટલું તો લાગે છે કે હિંદીઓનું પતિતપણું અમારા પતિતોના નિઃશ્વાસમાંથી જ ઊપજ્યું હશે !

ખાડો ખોદે એ પડે !

અસ્પૃશ્યોનો ખાડો હિંદુઓએ ખોદ્યો. આખી હિંદુ પ્રજા એ ખાડામાં પડી છે !

આ જુલ્મની વાત નથી માનતા ? આવો, હું તમને પાસેના જ એક ગામડામાં લઈ જાઉં. તમારી આંખે જ તમે જુઓ કે જર્મનો, જપાનીઓ, અંગ્રેજો કે મુસ્લિમો ન કરે એટલો જુલ્મ અમારા જ સવર્ણ હિંદુ ભાઈઓ અમારા ઉપર કરે છે ! અમારા એક એક અત્યંજ હિંદુધર્મની એક એક કરુણ કથની છે – શરમકથની છે !

મેં કહી એના કરતાં પણ વધારે દુઃખમય વાતો તમે સાંભળશો.