પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : રસબિન્દુ
 

અપંગ આંખવાળી સ્ત્રીને કોઈ અડપલું તો ન જ કરે એની એને ખાતરી હતી. જો કે એને નવાઈ લાગ્યા કરતી હતી કે એને સંભાળનાર, એને પૂછનાર, હજી કેટલાંક માણસો હતાં ખરાં.

કોઈએ પ્રશ્નનો જવાબ ન આપ્યો. ચંચળે ધાર્યું કે શિવાલયમાં ભૂત પણ કદાચ ફરતાં હોય ! અહીંના ભૂત પણ સારાં હતાં. અને એની આંખ ગયેલી હતી એટલે ભૂત હોય તો પણ એને દેખાય એમ હતું નહિ.

થોડી વારે માનવધસારો વધારે સ્પષ્ટ થયો અને એની આસપાસ લાકડીના ફટકા પડતા એણે સાંભળ્યા.

‘શું છે ? કોણ છે ?’ ચંચળે પૂછ્યું.

‘કાંઈ નહિ. એ તો તારી બાજુએ થઈને સાપ ગયો એને પૂરો કર્યો.’

‘ભલા ભગવાન ! એને માર્યો શા માટે ?’

‘નહિ તો તને કરડી જાત.’

‘સારું થાત ! હશે, જે થયું તે થયું. તમે કોણ છો ?’

‘હું વટેમાર્ગુ છું. સવારે ગામમાં ચાલ્યો જઈશ.’

‘તમે વીરાજી તો નહિ ને ?’

‘વીરાજી ? ના ભાઈ. કોણ છે એ વીરાજી ?’

‘છે એક જણ મારા મનમાં કે એ અહીં સૂતો હશે.’

‘મારા સિવાય અહીં બીજું કોઈ છે જ નહિ. ગભરાતી તો નથી ને ?’

‘ના રે ના. અમારે આંખ વગરનાને ગભરાટ શો ? જે દેખતાં હોય એ બધાંય આંખ તે અમારી આંખ !’

‘તે તારે આંખ નથી ?’

‘ના ?’

‘જનમથી જ નથી ?’

‘હમણાં જ ગઈ.’

‘બળિયા નીકળ્યા હતા કે કાંઈ વાગ્યું હતું ?’