પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૩૩
 

ચંચળે દોરી જનાર માણસના હાથ ઉપર હાથ ફેરવી જોયો.

પેલા માણસે જરા સખ્તીથી કહ્યું :‘જો બાઈ ! બીજું ત્રીજું તોફાન આપણી પાસે નહિ ચાલે.’

‘હું તોફાન નથી કરતી. હું તો જોઉં છું કે તમે વીરાજી તો નહિ હો !’

‘વીરાજી કોણ મૂઓ છે, વળી ?’ પેલો પવિત્ર માણસ બબડ્યો.

થોડે દિવસે એક માણસે આવી પૂછ્યું : ‘ચંચળ ! આજે ગાવા આવીશ ?’

‘મારે આંખ તો છે નહિ; હું શી રીતે આવું ?’ ચંચળે કહ્યું.

‘કોઈ તને દોરી લાવશે.’

‘એમાં શું રસ પડશે ?’

‘બહુ દિવસથી તને સાંભળી નથી. તું જરૂર આવજે. હું માણસ મોકલીશ.’ સંધ્યાકાળે એક માણસે આવી ચંચળને જલસામાં લઈ જવા દોરવા માંડી. ચંચળના હાથમાં લાકડી આપી આગળનો છેડો ઝાલી પેલો માણસ ચંચળને દોરી જતો હતો. રસ્તામાં ચંચળે પૂછ્યું : ‘વગાડનાર કોઈ છે ?’

‘જોઈએ એટલા–સરસ.’ પેલા માણસે જવાબ આપ્યો.

‘એકાદ બેનાં નામ ?’

‘હુસેન, મહાડકર, અવિનાશ...’

‘વીરાજી કરીને કોઈ છે ત્યાં ?’

‘વીરાજી ? જાણ્યામાં નથી.’

ચંચળ નિ:શ્વાસ નાખ્યો. જલસો પતી ગયો. ચંચળનાં વખાણ થયાં. પાંચેક રૂપિયા પણ તેના હાથમાં પડ્યા. પરંતુ એને લાગ્યું કે વીરાજીના હાર્મોનિયમ વગર એનો કંઠ બરાબર ખીલી નીકળ્યો નહિ. ચંચળને દોરી એક માણસ પાછો એને શિવાલયમાં લઈ ગયો.

એક રાત્રે ચંચળને લાગ્યું કે એની નજીક માનવપગનો સંચાર સમજાય છે.

‘કોણ હશે ?’ ચંચળે પૂછ્યું. એને સોબત તો જોઈતી હતી.