પૃષ્ઠ:Rasbindu.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : રસબિન્દુ
 

દયાળુ મિત્રે ફરજ બજાવી; પરંતુ એથી આગળ વધી આંખ ખોઈ બેઠેલી ચંચળે શું કરવું તેનો માર્ગ કોઈએ બતાવ્યો નહિ. લોકો જોઈ ગયા, એની ખબર પૂછી ગયા, એની આંખ ફોડનાર દુષ્ટ ઉપર ગાળોનો વરસાદ વરસાવી ગયા. પરંતુ કોઈએ એને ન પૂછ્યું કે એનું ભાવિ એ કેમ ઘડવાની છે ! બેચાર શોખીનો સંગીતની માગણી કરી ગયા પણ ચંચળે તેમને ગાળો દઈ રવાના કર્યા વગર જવાબદારીએ ચંચળ પ્રત્યે પ્રેમચેષ્ટા કરવાની હિંમત કરનાર એના જૂના વખાણનારાઓને એણે ધોલઝાપટથી દૂર કર્યા અને અપંગ બનેલી ચંચળ આમ તદ્દન એકલી બની ગઈ.

***

આઠ દિવસે કોઈએ એને ખાવાનું પૂછ્યું. ક્રોધ, દુઃખ અને નિરાધાર પણાની લાગણીનો આવેગ જરા હલકો પડતાં એને સમજાયું કે એનો દેહ પોષણ માગી રહ્યો છે. એણે ખાવાની હા પાડી.

પછી તો રોજ કોઈ ને કોઈ માણસ એને બે વાર જમાડવા આવતો. કેટલેક દિવસે એણે એ માણસને પૂછ્યું : ‘તમે કોણ છો ?’

‘તારે શું કામ છે ?’

‘વીરાજી તો નહિ ને ?’

‘વીરાજી ? ના રે ના ! હું તો નગરશેઠનો નોકર છું. ગામમાં કોઈ ભૂખ્યું ન રહે એ જોવું છું.’

ગામની ભૂખતરસ ભાંગતા નગરશેઠો આજ તો અદૃશ્ય થઈ ગયા છે. છતાં ચંચળે એ કથન માન્ય કર્યું.

‘ચાલ, હું તને કૂવે લઈ જાઉં અને નવરાવું.’ કોઈ માણસે આવી ચંચળને કહ્યું. ચંચળ એનો હાથ ઝાલી કૂવે નાવા ગઈ. એ માણસે ચંચળને બદલવા માટે ચોખ્ખો ધાયેલો સાલ્લો આપ્યો.

‘તમે વીરાજી તો નથી ?’

‘વીરાજી ? મને ખબર નથી. હું તો અપૂજ દેવોની પૂજા કરું છું. તને જોઈ એટલે એમ થયું કે નવરાવું. દેવાલયમાં વગર નાયે રહેવાય ?’