પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૩૯
 

તેની વિરૂપતાનું વેર જીવનપર્યંત પહોંચે એવું ઘેરું બની ગયું છે. ચંચળને આખો જન્મારો અંધ રાખવાની વીરાજીની ઇચ્છા હતી જ નહિ. અને છતાં પોતાનું મહત્ત્વ દર્શાવવા જતાં ચંચળની આંખો એ પ્રેમીને જ હાથે ફૂટી !

‘એમાં તું રડે છે શાનો ? સારું થયું મારી આંખ ગઈ તે !’ ક્લેશમાં ગરકાવ થયેલા વીરાજીને એક દિવસ ચંચળે કહ્યું.

‘શું સારું થયું ?’

‘તારે માટે નહિ, મારે માટે સારું થયું.’

વીરાજીએ ડૂસકું ખાધું. ચંચળે વીરાજીનો કાળો હાથ સ્નેહથી પોતાની આંગળીઓમાં સમાવ્યો અને જવાબ ન આપતા વીરાજીને ચંચળે પોતાના હૃદયની વાત કહી.

‘તારે માથે તો હું ભારણરૂપ બની છું, પણ મને આંખો જતાં વીરાજી ગમતો થઈ ગયો. તારી અને મારી વચ્ચે એ આંખો જ આવતી હતી, નહિ ?’ ચંચળે કહ્યું.

વીરાજીએ તો ય કશો જવાબ ન આપ્યો.

પરંતુ વર્ષો થયાં અંધ ચંચળના દેહને અને જીવનને વીરાજી જરા ય કંટાળ્યા વગર દોર્યે જાય છે. પૈસા ખૂટે છે એટલે હાર્મોનિયમને ઊંચકી ચંચળને અતિશય નાજુકીથી દોરી કદરૂપો વીરાજી શેરીઓમાં ફરે છે. ચંચળને રસોઈ કરી જમાડવી, પાણી ભરવું, ઘર સાફ રાખવું એ બધું ય વીરાજી કરે છે અને ચંચળ એમાં જોર કરીને ભાગ પડાવવા જાય ત્યારે પ્રેમથી એને ઊંચકી દૂર બેસાડી એ ગાય છે :

‘યે દો નયના મત ખાઈઓ, પિયામિલનકી આસ.’

એ બન્ને પરણ્યાં કે નહિ તેની કોઈને ખબર નથી. બન્ને ભેગાં જ રહે છે અને ચંચળના સ્મિતથી અપૂજ દેવની ઓસરી ઉજ્જ્વળ રહે છે. સહુ કોઈ માને છે કે એ બન્ને પતિ પત્ની છે. જીવનમાં વધારે વિધિની જરૂર છે ખરી ? અલબત્ત, વીરાજીનું નામ