પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતાં. એક પથારી, એક ચટાઈ અને જૂના હીંચકા સિવાય બીજું કશું ફર્નિચર ત્યાં દેખાતું ન હતું. ખીંટીએ મેલી લાલ ઝોળીમાં ભરેલા તંબૂરો અને તબલાંની જોડ એક ખૂણામાં વિસરાયેલાં પડ્યાં હતાં. પથારીમાં સૂઈ રહેલા સારંગધર પગને રવ સાંભળી ધીમે ધીમે બેઠા થયા.

‘ઊઠશો નહિ. આપ સૂઈ રહો.’ બૈજનાથે કહ્યું.

‘જરા તાવ આવ્યો છે...’ બેસતાં બેસતાં સારંગધરે કહ્યું.

‘તો ઊતરી જશે....’

‘ઊતરે, ન ઊતરે, મને શી પરવા ? શરીર હવે મને મારું પોતાનું લાગતું જ નથી.’

બૈજનાથ અને તેના સાથીદારો જરા વિચારમાં પડ્યા. શરીરથી પર થઈ ચૂકેલો આ યોગી ? કે સહુએ ખસેડી મૂકેલો આ પાપી ગવૈયો? એક પણ પાપ એવું ન હતું, જેનું આળ સારંગધરને માથે મુકાયું ન હોય.

એ ગાયક પૂરો વ્યસની હતો. અફીણ, ભાંગ, ગાંજો, દારૂ એ સામાન્યતઃ જાણીતાં વ્યસનો સિવાય બીજા પણ વ્યસનો હોય તો તે સારંગધરથી અજાણ્યાં તો ન જ હોય. એના વ્યસનથી કંટાળી કંઈક શિષ્યો ચાલ્યા ગયા હતા અને કંઈક ગૃહસ્થોએ એના વગર પોતાના જલસા જમાવ્યા હતા.

પરંતુ વ્યસનથી સારંગધર અટક્યા ન હતા. એમની ચાલચલગત માટે અનેક પ્રકારની વાયો ચાલતી. તેઓ એક સમયે મશહૂર ગવૈયાની ખ્યાતિ પામ્યા હતા એટલે અનેક ગાયિકાઓ અને નર્તકીઓ તેમની શિષ્યા ગણાવવામાં માન સમજતી હતી. તેમના ગાઢ સંસર્ગમાં સારંગધર આવતા અને મહિનાઓના મહિના તેઓ ગાનારીઓના આવાસમાં પડી રહેતા એવી પણ છાપ તેમણે સમાજ ઉપર પાડી હતી. સારા ઘરની છોકરીઓએ સારંગધરનું શિક્ષણ લેવું એ પોતાની બદનામી પોતાની જાતે જ કરવા સરખુ હતું. સંગીતમાં રસ ધરાવતી ગૃહસ્થ સ્ત્રીઓ સારંગધરને પરિચય જરાય સેવતી નહિ, અને સારંગધરની આવડતનો લાભ રાખતી તે તેની કીર્તિ જરૂર ઝાંખી પડતી.