પૃષ્ઠ:Rasbindu.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસાનો એક પ્રયોગ : ૩૧
 

વધારે પડતું સ્વરૂપ આપી વર્તમાનપત્રીના ખબરપત્રીએ મને અંદર સંડોવ્યો હતો ! અહિંસાની વાત કરી હિંસાનો જ્વાળામુખી પ્રગટાવનાર અપરાધી હું હતો એ આરોપ વાંચી ગઈ રાતે પ્રગટવો શરૂ થયેલો મારો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો.

અમે અહિંસકો ક્રોધ કરતા નથી, પુણ્યપ્રકોપ કરીએ છીએ. નિંદાભર્યા પત્રને બાજુએ ફેંકી મેં બીજું પત્ર હાથમાં લીધું. એ પત્રની ટીકાઓ બહુ જ ન્યાયભરી હતી. એવો મને ખ્યાલ હતો. પરંતુ એમાં પણ જ્યારે વાંચ્યું કે :

“હિંસા-અહિંસા વચ્ચે યુદ્ધ.”

એક જાણીતા વકીલે તેમાં ભજવેલો ભાગ !

“ગાળો ખાઈ ભયના માર્યા ભાગી છૂટેલા ગુજરાતી વીર વકીલની અહિંસક બહાદુરી.”

એ પત્રને પણ મેં ફેંકી દીધું. અહિંસાની સાચી સેવા કરતાં, અનેક જોખમો વેઠતાં એક સાધકના કાર્યમાં વીરત્વહીનતા વાંચતાં, ઝેરી વર્તમાન પત્રો પ્રજાની કેવી ભારે કુસેવા કરી રહ્યાં છે તેનું દૃષ્ટાંત મને આજે મળી ગયું.

ખબરપત્રીને ચોવીસ કલાક દોડતા રાખી એક અંધારી કોટડીમાં ભરાઈ બેસી અહિંસકોની મશ્કરી કરતા સલામત તંત્રી કરતાં છડેચોક અહિંસાનો બોધ કરનાર મારા જેવામાં વધારે બહાદુરી છે એની મને તો ખાતરી થયેલી જ હતી. તંત્રીઓ વાંચીને ઊભા ઊભા સળગી જાય એવી ભાષામાં એક જવાબ આપવાની હવે મારે માથે ફરજ ઊભી થઈ. સિદ્ધાંતને ખાતર હું ગમે તેનો ગમે તેવો ભોગ આપવા માટે તૈયાર હતો. મેં તેવો જવાબ ઘડવા માંડ્યો :

‘તમે તે પત્રના તંત્રીઓ ? કે ચારે પાસ નાગની ફણાઓ જગાડતી તંતુનીઓ !’ આમ મેં શરૂઆત કરી. એમાં મને જરા ઓછું ગૌરવ લાગ્યું. લખવું તો એવી રીતે કે મને કોઈ અંગત લાગણી થઈ નથી એમ દેખાવું જોઈએ – જે ખરી વાત હતી. મેં ફરી શરૂ કર્યું :