પૃષ્ઠ:Rasbindu.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : રસબિંદુ

‘પ્રજાના જીવનમાં ઝેર રેડતા...’

મને લાગ્યું કે ઝેર શબ્દ મારી કલમ ઉપર સામું ઝેર રેડશે, એટલે એ પણ ફેરવી મેં બીજા કાગળમાં લખ્યું :

‘પ્રજાના જીવનમાં અમૃત રેડવા માટે પત્રકારોની તૈયારી હોય તો તેમણે અહિંસાની સાચી પિછાન…’

જવાબમાં જોર ન દેખાયું. બપોર કોર્ટમાં જવાનું માંડી વાળ્યું, કેસની મુદતો પડાવવા ન્યાયમૂર્તિઓને વિનંતી લખી મોકલી અને શું લખવું એના વિચારમાં હું ખાટલા ઉપર આડો પડ્યો…

અને મને લાગ્યું કે હું એક મહાસભામાં વ્યાખ્યાન આપું છું !

એ મહાસભા તે હિંદની ધારાસભા હતી. એ ધારાસભાને અંકુશમાં રાખતા અધ્યક્ષ – સ્પીકર – ને સંબોધી હું ‘અહિંસાધારો સભા સમક્ષ રજૂ કરતો હતો. મુખ્ય પ્રધાનનો બોજો મારે માથે પડ્યો હોય એમ મને લાગતું હતું, અને વચમાં વચમાં મને પુછાતા પ્રશ્નો ઉપરથી મારી ખાતરી થઈ કે હું હિંદનો વડો પ્રધાન હતો. હું સમજાવતો હતો એક કલમ :

‘અહિંસા જોખમાય, અહિંસા તિરસ્કૃત બને, અહિંસાનો ફેલાવો અટકે, અહિંસાનો થયેલ ફેલાવો સંકેચાય એવા શબ્દથી, ચેનચાળાથી, વાતથી, વ્યાખ્યાનથી, કાર્યથી, કાર્યના દેખાવથી તન, મન કે ધન દ્વારા કોઈ પણ ઇસમ પ્રવૃત્તિ કરે, પ્રવૃત્તિ કરાવે, તો તેનો ગુનો ફાંસીને પાત્ર ગણાશે…’

તાળીઓના ગડગડાટ વચ્ચે મારો અવાજ સંભળાતો બંધ થયો. મને લાગ્યું કે અહિંસાનો વિજય થાય છે. સામો પક્ષ શાન્ત બેઠો હતો. તેમના ભણી વિજયભરી દૃષ્ટિ હું કરી રહ્યો. તેઓ તાળીઓ પાડતા ન હતા. મત લેવાતાં હાથ ઊંચા કરવામાં આવ્યા. વિરુદ્ધ પક્ષના કેટલા ય સભ્યોએ હાથ ઊંચા કર્યા : અને ભારે બહુમતી સાથે એ કલમ પસાર થઈ.

‘સામે બેઠેલા મારા મિત્રે હવે વિચાર કરવાનો છે કે તેમને અહિંસા વિરુદ્ધ હજી આગ્રહ રાખવો છે કે નહિ.’ મેં વિજયથી