પૃષ્ઠ:Rasbindu.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સફળ ધંધો


ધંધો કરવામાં નાનમ હોવી ન જોઈએ. જેટલા ધનિકોનાં નામ હું સાંભળું છું એટલા સર્વ મહેનતુ, દક્ષ, કુનેહબાજ અને ધીરજવાન હોય છે. ખભે કાપડના થેલા નાખી ફેરી કરતો એક સમયનો અભણ છોકરો આજ છસાત મિલનો માલિક બની અનેક ભણેલાઓ પાસે ચોપડા લખાવે છે, અને પોતાની ત્રીજી કે ચોથી વારની પત્નીને નૃત્યનું શિક્ષણ અપાવે છે. રસોઈ કરવા રહેલો ચબરાક બ્રાહ્મણ છોકરો માલિક મર્યા પછી એના છોકરાનો વાલી નિમાયલો મેં જોયો છે... અરે માલિકના જ પલંગમાં સૂતેલો મેં જોયો છે. એક ચોપદાર પંદરવીસ વર્ષે કારભારી બન્યો, અને દેશી રાજ્યોના દીવાનોની સભામાં ભાષણ કરતો મેં સાંભળ્ળ્યો. એક નટી સો રૂપિયામાં સ્ટેજ ઉપર તથા મેનેજર સામે પ્રેમના હાવભાવ કરતાં થાકી જતી હતી; આજે અનેક મૅનેજરો એને પંખા નાખે છે અને મોજડી પહેરાવે છે. જાદુના ખેલ કરતાં કરતાં જ્યોતિષી બનેલો એક સાહસિક સાધુ બન્યો, અને શિષ્યોએ એને સોને તોળ્યો. એટલે કે એના વજન જેટલું સોનું એને કરી આપ્યું. આજ એ કોઈને પુત્ર, કોઈને ધન અને મોટા ભાગને આશીર્વાદ આપતો પહેલા વર્ગની ગાડીમાં ફરી આધ્યાત્મિક માર્ગનું જગતને દર્શન કરાવે છે.

એટલે મારું કહેવું એમ છે કે ધીરજનાં ફળ મીઠાં હોય છે. પેલી અંગ્રેજી કહેવત ‘યુદ્ધમાં તેમ જ પ્રેમમાં જે કાંઈ સારું માઠું કરો એ ન્યાય જ છે.’ તેમાં એક સુધારો કરવાની જરૂર છે કે ‘યુદ્ધમાં, પ્રેમમાં અને ધંધામાં જે કાંઇ સારું માઠું કરો એ ન્યાય