પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સેનાપતિ

ળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતને પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી.

એવે અંધારે વીંટાયલી રાવટીમાં બેઠા બેઠા બુઝુર્ગ સેનાપતિ ભા’ દેવાણી અધરાતે વિચારે ચડ્યા છે. એની આંખ મળતી નથી. આટલા દિવસથી ગોહિલ તળાજું ઘેરીને પડ્યા છે, તોયે ગઢ તૂટતો નથી. ધોળિયા કોઠા ઉપર નૂરુદ્દીનનો લીલો નેજો જેમ ફડાકા કરે છે, તેમ તેમ ભા’ દેવાણીનું કલેજું તરફડિયાં મારે છે.

સિત્તેર હજાર કોરી રોકડી ગણીને આપીને ખંભાતના નવાબ પાસેથી લીધેલું તળાજું દગલબાજ નૂરુદ્દીનને હાથ પડી ગયું છે. ગઢની અંદરથી દારૂગોળાની હારમઠોર બોલે છે. ઠાકોર આતાભાઈ પોતે જ ભા’ની જોડે ચડ્યા છે. તોય શત્રુની સામે ભાવનગરની કારી ફાવતી નથી.

“બાપુ!” એવો અવાજ દઈને ચાકરે ભા’ને એમના ધ્યાનમાંથી જગાડ્યા.

ઊંચું જોઈને ભા’એ પૂછ્યું : “કેમ અટાણે?”

“બાપુ, ઠાકોરે કે’વાર્યું છે કે ભલા થઈને ભા’ બે રાત્યુંની રજા આપે.”

“આવે ટાણે રજા ! અને બે રાત્યુંની રજા ! ઠાકોર ગાંડા થઈ ગયા? કે શું ભાવનગરથી કોઈ જરૂરી તેડું આવ્યું છે?

૯૯