પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

સંઘજી બે હાથ જોડીને રણછોડરાયની મૂંગી પ્રતિમા સામે હાજર થયો છે. જાણે એને ઉપરથી ચિઠ્ઠી ઊતરી છે. કોઈ જનેતા પોતાના દયામણા સંતાનની સામે મોં મલકાવતી રાવ સાંભળતી હોય તેમ એ શ્યામ પ્રતિમા લોહીભીના સંઘજીના કલ્પાંત સાંભળતી સાંભળતી જાણે હસવા લાગી. છે

‘દાદા ! દાદા ! દાદા !’ કહેતો એ એક સો ને દસ વરસનો રજપૂત દેરામાં લાંબો થઈને સૂઈ ગયો. બેય નેત્રોમાં આંસુની ગંગા-જમના વહેતી થઈ. મોં આડી બેય હાથની અંજલિ રાખીને ડોસાએ પ્રાર્થના કરી :

‘હે દાદા ! મારાં વ્રત પૂરાં કરીને હવે લીધેલ તલવાર પાછી સોંપવા આવ્યો છું. હત્યા કરતાં પાછું વાળી જોયું નથી. રખેને ભાળી જાઈશ તો આંખમાં અનુકંપા આવી જશે કે હાથ થડકી જશે, એટલે આંખો મીંચી મીંચીને માથાં વાઢ્યાં છે. કરણને મારીને મેં જાણે મારા પેટની દીકરીને રંડાપો દીધો છે. દાદા ! મને નહોતી ખબર કે મેળાનો વધ કરણને કેમ કરવો પડ્યો ! આજ તારી ફૂંકે મારો દીવડો ઓલવવા આવ્યો છું. કુટુંબકબીલો, વાલાંવા’લેશરી – સહુને વળાવીને આવ્યો છું. મારી છાતી ઉપર ડુંગરા ખડકાણા છે. લે — ઉપાડી લે, દાદા ઉપાડી લે ! ઉપાડી લે !?’

સંઘજી સૂતો. સૂતો તે સૂતો. કોઈ કાળાંતરના ઉજાગરા વેઠ્યા હોય એવું ઘારણ વળી ગયું !

[કરણસંગજીનાં રાણીએ સાણંદ આવીને મેળાના કુંવરને અર્ધોઅર્ધ ભાગનો ગરાસ કાઢી દીધો, ત્યાર પછી જ સંઘજી દ્વારકામાં આવીને મર્યો છે. ત્યાં એની ખાંભી પણ હોવાનું કહેવાય છે.]