પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


“ભાઈ અસવાર ! ભોકાભાઈને કહેજે કે કોઈ ફિકર નહિ. આવજે — ખુશીથી આવજે. ચોટીલે નો આવે એને દેવળ વાળાની દુહાઈ છે !”

ચોટીલાની ડેલીએ રકઝક થઈ રહી છે. રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી. બે ભાઈ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે આજ માથાં ઝીંકવા માંડ્યાં છે કે “ના, મોટા બાપુ ! આજ હું એકલો જ વાર લઈને ચડીશ. આજ તમે નહિ, બાપુ નહિ. હું એકલો. મારે ભોકા કાકાને જોવા છે.”

“બાપ ! બાપ ! એવી હઠ ન હોય. તારું ગજું નહિ અને ભોકો કાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી. બાપ ! હઠ કર મા.” પણ કુંવરે ન માન્યું.

બસો તેવતેવડી હેડીના અસવારોને લઈને એ ચોટીલાની બહાર નીકળ્યો.

લાંબાધારની ટોચે મુંજાસરનાં પાંચસો ભાલાં ઝબકારા મારે છે. આપો ભોકો ચોટીલાના સામૈયાની વાટ જોતા બેઠા છે, ત્યાં ઘોડાં આવતાં ભાળ્યાં. આગલા અસવારે જાણે ભાલે આભ ઉપાડી લીધો છે. મૂછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછયુંઃ “બા, આ મોવડી કોણ ?”

“આપા, એ રામા ખાચરનો ભત્રીજો. પરણીને મીંઢળ હજી છૂટ્યું નથી, હો ! બે ભાઈ વચ્ચે એક જ છે. વીણી લ્યો, એટલે રામા ખાચરના વંશનો દીવડો જ સંચોડો ઓલવાઈ જાય.”

ત્યાં તો ચોટીલાની વાર લગોલગમાં આવી પહોંચી.

ધાર ઉપરથી ભોકો ઊતર્યો. જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે. પોપટના ઘેરા ઉપર બાજ ઝપટ કરે એમ સોરઠના પંજાદાર કાઠીઓ ચોટીલાના જુવાનો ઉપર તૂટી પડ્યા.