પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

આવે છે. ગળે ત્રણ ત્રણ ગાંઠો પડે એવા લાંબા લાંબા તો ગાયના કાન ફડફડે છે : કંઠનો કામળો તો ઠેઠ ગોઠણ સાથે ઝપાટા ખાતો આવે છે, પેટની ફાંટ જેટલાં આઉ હિલેાળા લે છે : ગાયો જાણે આઉને માથે બેસતી આવે છે. ભાદર નદીને ભરચક કાંઠે આખો દિવસ લીલાં ખડ ચરીને મલપતી ચાલે ડગલાં ભરતી આવે છે. વાછરુને માથે વળૂંભતી આવે છે. બાદલપરના ડાબરિયા જેવી માથાવટી: માચિયાં શીંગ : ધોળો, કાબરો અને ગળકડો રંગ : પગમાં રૂમઝૂમતાં ઝાંઝર : ગોવાળ નામ લઈ લઈને સાદ કરે છે કે ‘બાપ શણગાર ! બાપ જામલ ! બાપ બાપુડી ! બાપ નીરડી !” ત્યાં તો દોડીને ગાય ગોવાળના ખભા ઉપર માથાં નાખતી આવે છે.

એકીટશે ગાયો સામે નીરખી નીરખીને મોચી જોતો હતો. ગોવાળે કહ્યું “એલા મોચકા, જોઈ શું રિયો છે? માળા ક્યાંક તારી નજરું પડશે. ગાયું સામે ડોળા શું તાણી રિયો છે ?”

મોચીએ જવાબ દીધો: “શા સારુ ન જોયેં? કાંઈ મફત નથી જોતા. બાપુને મોજડી પે’રાવી છે, તે આમાંથી મનમાનતી એક ગાય લઈ લેવાનું બાપુએ અમને કહ્યું છે. એ જો, આ ગાય આપડી.” એમ કહીને મોચીએ એક ગાય ઉપર હાથ મેલ્યો.

ગોવાળને વહાલામાં વહાલી એ ગાય હતી. એ બોલ્યો “હવે હાથ ઉપાડી લે હાથ, મોચકા, અને હાલતો થઈ જા — નીકર અવળા હાથની એક અડબોત ખાઈ બેસીશ. ઈ શણગારનું વોડકું તો આ લીલાછમ માથા સાટે છે, ખબર છે? જોજો, મારું બેડું મોટું શણગારના દૂધ ખાવા આવ્યું છે !”

“બાપુ કહેશે તોય નહિ દે?”

“હવે બાપુને તો બીજો ધંધો જ નથી, બાપુ બચારો ગાયુંની વાતમાં શું સમજતો’તો ?”