પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૪
વાલેરા વાળો


જેતપુરના કાઠી દરબાર વાલેરા વાળાની ડેલીએ જૂનાગઢ શહેરના એક મોચીએ આવીને દરબારના પગ સામે બે મોજડીઓ ધરી દીધી.

માખણ જેવા કુણા ચામડાની બે મોજડીઓ ઉપર મોચીએ પોતાની તમામ કારીગરી પાથરી દીધેલી.

રાજી થઈને વાલેરા વાળા બોલ્યા, “એલા, તેં તો ભારે કસબ કર્યો!”

“બાપુ, તમને નસીબદારને તો આ મોજડિયુંમાં કાંઈ નવી નવાઈ ન હોય.”

“બોલ, શું આપું ?”

“બાપુ, છોકરાં છાશ વિના ટળવળે છે. મોજ આવી હોય તો એક ગાયની માગણી કરું છું.”

“ગાય શા સારુ? ભેંસ લઈ જા ને !”

“ના, બાપુ, ગાય બસ છે. ભેંસની ટંટાળ અમારાથી વેંઢારાય નહિ.”

“ઠીક, સાંજરે આપણું ધણ સીમમાંથી આવે ત્યારે તને ગમે તે એક ગાય તારવી લેજે.”

સાંજને ટાણે ડેલીની બહાર રસ્તા ઉપર ગાયની વાટ જોતો જોતો મોચી ઊભો રહ્યો છે. ગોધૂલિને ટાણે ધણ આવ્યું. મોખરે ગોવાળ ખંભે લાકડી નાખીને ડોલતો ડોલતો ચાલ્યો આવે છે, અને પછવાડે ત્રણ ગાયો એના ખંભા ઉપર વળૂંભતી

૧૪૧