પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
માણસિયો વાળો

સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થર વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.* [૧]

એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરને માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે.

દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે, પણ માણસિયા વાળા દરબારને શોખ હતો : પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો.

દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભીને માણસિયો રોટલાનાં બટકાં ઉછાળે, ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઊડતી એ પંખિણીઓ અધ્ધરથી ને અધ્ધરથી એ બટકાં ઝીલી લે. પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચકરચકર ફરીને કિળેળાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે.


  1. *પ૦-૬૦ વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઊજવી, ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો ત્રુટક દુહો પણ બોલાય છે કે:

    ભાદર જેસી ભામની કમરહંસ જેસો કંથ;
    હંસલી જેસી હોય (તો) કમરહંસ વિવા કરે.