પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૨૧
 

ઘોડાનો તંગ તાણ્યો . એવો તંગ તાણ્યો કે —

 

તેજી તોળ્યો ત્રાજવે, જેમ બજારે બકાલ,
માર્યો કેનો નૈ મરે, ગાંડી મ કૂજ્યો ગાલ.

જેમ વેપારી ત્રાજવું ઊંચું કરે તેમ ઘોડાને તોળી લીધો! એ જોઈને ઓઢો બોલ્યો, “એ રજપૂતો ! ચીંથરાં ફાડો મા; આમ તો જુઓ ! ડુંગર જેવડા ઘોડાને જેણે તંગમાં ઊંચો ઉપાડી લીધો, એ જોરાવર આદમી કોઈનો માર્યો મરે નહિ. અને જોરાવર ન હોત તો એકલવાયો નીકળત નહિ. એને લૂંટવાની ગાંડી વાતો છોડી દો !”

ત્યાં તો અસવાર લગોલગમાં આવી પહોંચ્યો. મોઢે મોસરિયું બાંધ્યું છે, મૂછનો દોરોય હજી ફૂટ્યો નથી, ઘૂમતા પારેવાના જેવી રાતી આંખ ઝગે છે, ભમ્મરની કમાનો ખેંચાઈને ભેળી થઈ ગઈ છે, મોં ઉપર મીટ મંડાય નહિ એવો રૂડો અને કરડો જુવાન નજીક આવી ઊભો.

અહાહાહા ! ઓઢા જામના અંતરમાં ટાઢો શેરડો પડી ગયો. સાહેબધણીએ સંસારમાં શું રૂપ સરજ્યું છે! ને આવડી અવસ્થાએ અને આવે વેશે આ વીર પુરુષ બીજે ક્યાં જાય? કોઈક ગઢને ગોખે વાટ જોતી મૃગનેનીને મળવા જાતો હોય, ને કાં મળીને પાછો વળતો હોય એવા દીદાર છે. સગો ભાઈ હોય, બાળપણને ભેરુબંધ હોય, એવું હેત મારા કલેજામાં આજ કાં ઊગે?

“કાં રજપૂતો !” સવારે પડકાર દીધો, “મને લૂંટવો છે ને તમારે? શૂરવીરો, એમાં કાં ભોંઠા પડો ? ઊઠો. કાં અક્કેક જણ આવી જાઓ, ને કાં સહુ સાથે ઊતરો; જે હોય તે મારાં લૂગડાંઘરેણાં આંચકી લ્યો.”

રજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા. હસીને ઓઢો બોલ્યો, “માફ કરો, મારા ભાઈ મનમાં કાંઈ આણશો મા. મારા રજપૂતોએ ભૂલ કરી. ઊતરો બા, કસૂંબો લેવા તો ઊતરો.”