પૃષ્ઠ:Rasdhar4.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૫૧
 

તું થાકી હો તો મારે બા’રવટું નથી કરવું. જે કટકો જમીન દેવો વાળો આપશે તેટલી લઈને હું આવતો રહીશ.”

“ના ના મારા સાવજ !” ભ્રૂકુટિ ચડાવીને કાઠિયાણીએ પતિને ખાતરી આપી: “ના, તું તારે જીવ્ય ત્યાં લગી ઝૂઝજે. મારાથી ઘડીક અબળા બની જવાણું, પણ તું ડગીશ મા. તું બહારવટિયો બન્યો ત્યારથી તો મને સાતગણો વધુ વહાલો લાગછ. હું તો તારી માટીવટને પૂજનારી. તું ચૂડિયું પહેરીશ તે દી તો હું મારા ચૂડલાના કટકા કરી નાખીશ.”

ફાટ્યાતૂટ્યા મલીરના પાલવ વડે કાઠિયાણીએ પોતાની પાંપણો અને ગાલ લૂછી નાખ્યાં. સૌભાગ્યની બે જૂની ચૂડલી સિવાયના શણગાર વિહોણા એના શામળા દેહને રૂંવાડે જાણે કોઈ રાજલોકનું રાણીપદ પ્રકાશી ઊઠ્યું. નવલખા રત્નહાર કરતાં પણ વધુ સોહામણા પોતાના વીર-બાહુને કાઠિયાણીના કંઠે વીંટાળી વરજાંગ બોલ્યોઃ “કાઠિયાણી ! તને તો આવાં જ વેણ શોભે. અને આવી તપસ્યા કરતાં કરતાં મહિને છ મહિને મેળાપના ચાર પહોર મળે એની મીઠાશ તે ક્યાંય થાવી છે ? સાત વરસનો સ્વાદ જાણે સામટો મળે છે. શિલાઓની સાથે કાયાને પછાડી પછાડીને એક તારા સુંવાળા ખોળામાં પોઢવું એના જેવું સુખ બીજું કોણ માણી જાણશે ?”

“લ્યો તમારા માથામાં તેલ ભરું.” અઢાર ઓસડિયાં ઉકાળીને પોતાને હાથે કઢેલું ધુપેલ તેલ કાઠિયાણી પોતાના કંથની જટામાં ઘસવા લાગી. તે દિવસ લાગ્યો તે રૂપાળો તો ધણી કોઈ દિવસ નહોતો લાગ્યો. ચંપાના છોડને જાણે નાગરવેલ વીંટળાઈ વળી. સવાર પડી ગયું, પણ દીવા ઠારવાનું ભાન રહ્યું નથી. માથામાં ઠંડક થઈ એટલે ઘડી-બે ઘડી કાઠીની આંખ મળી ગઈ છે.