પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વરજાંગ ધાધલ
૫૭
 

રાણિંગ વાળાએ ગામનો માલ વાળ્યો અને ગોકીરો ઊપડ્યો. ‘કાઠી ! કાઠી ! કાઠી !’ એવી કારમી ચીસો ખોરડે ખોરડે પહોંચી વળી. પારકરના ઠાકોરે પોતાના પહાડ જેવા શૂરવીરોને લઈ બહાર નીકળ્યો. સામસામાં ઘોડાં ઊભાં થઈ રહ્યાં અને પારકરના ઠાકોરે ત્રાડ દીધી કે “આમાં જે રાણિંગ વાળો હોય તે નોખો તરી નીકળે. પારકરનું પાણી ચખાડું.”

કાઠીઓ થીજી ગયા. ભે લાગી ગઈ. રાણિંગ વાળાની છાતી ભાંગી ગઈ. પારકરના રાક્ષસ જેવડા ગજાદાર રજપૂતના હાથમાં પ્રચંડ તલવાર તોળાઈ રહી છે. હમણાં જાણે પડી કે પડશે ! કાઠીઓના હોશકોશ ઊડી ગયા. અસવારોનાં ઉતરી ગયેલાં મોઢાં એકબીજાની સામે જોઈ રહ્યાં છે અને રાણિંગ વાળો થરથર કાંપતો લપાતો જાય છે. બીજી વાર શત્રુએ સાદ દીધો? કોણ છે રાણિંગ વાળો? નીકળ, બહાર નીકળ !”

“આવી જા માટી, હું રાણિંગ વાળો, હું!” એમ બોલતો વરજાંગ ઊછળ્યો. બન્ને વચ્ચે તલવાર-ભાલાની બાટાચૂટ બોલી. ઘોડાને માથે બેય ઊભા થઈ ગયા. બન્નેએ સામસામી બરછી ફેંકી. બેય પટાના સાધેલા: નિશાન ચૂકવી ગયા, હેઠે પડ્યા, બાથંબાથા ચાલી. આખરે, વરજાંગે વેરીને ઠાર કર્યો.

પારકરથી કાઠીઓનાં ઘોડાં પાછાં વળે છે. રસ્તે રાણિંગ વાળાને ધરતી મારગ આપે એવું ભોંઠામણ થઈ રહ્યું છે. આખા મેલીકારમાંથી પોતાની તાજણને નોખી જ તારવીને અબોલ ચાલ્યા જતા વરજાંગની મૂર્તિ સામે મીટ માંડતો માંડતો રાણિંગ વાળો વિચારે છે :

‘ધિક્ક છે ! કાઠીનો દીકરો થઈને હું પારકર ઠાકોરની ત્રાડ ન ઝીલી શક્યો. મારું નામ છુપાવ્યું. અરે, આ તો મારો વેરી વરજાંગ મારે સાટે ધસ્યો ! દાનો દુશ્મન સાચો!’