પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દસ્તાવેજ

રાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી દેશું.’

વાંચતાંની વાર જ જુવાને નિસાસે મેલ્યો.

શું વેશવાળ તૂટશે? પાંચ-પાંચ વરસનાં ધૂળમાં રમતાં હતાં ત્યારથી પંદર-પંદર વરસ સુધી જેનું ધ્યાન ધરેલું, તે રાજબા શું આજ બીજાને જાશે? નબાપા, નમાયા અને નિરાધાર એ રજપૂતની તાજી ફૂટેલી મોસર ઉપર પરસેવાનાં ટીપાં વળી ગયાં.

બાપની આખી જાગીર ફના થઈ ગઈ હતી. વારસામાં એને એક ખોરડું મળ્યું હતું, અને બીજું મળ્યું હતું આ બાળપણનું વેશવાળ. આશા હતી કે સુખની ઘડીઓ ચાલી આવે છે, આશા હતી કે એના નિસ્તેજ અને સૂના ઓરડામાં અલબેલી ગરાસણ આવીને જૂનાં વાસણો માંજશે. રૂપાળી માંડછાંડ કરશે, મહિયરથી પટોરા ભરીને કરિયાવર લાવશે, અને મામો મનેય પહેરામણી કરશે. પણ કાગળ વાંચ્યો ત્યાં તો ગરાસિયાના મસ્તકમાંથી એ ગરાસણના લાડકોડ, માંડછાંડ, ગારઓળીપા, કરિયાવરના પટારા અને પહેરામણી : બધાંયે મલોખાંનાં માળખાંની માફક વીંખાઈ ગયાં. પૂર્વજોનું લોહી એની રગેરગમાં દોડવા લાગ્યું. મસ્તકના ભણકારા બોલવા

૭૦