પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુંજીને કાંઠે
91
 

દેવા આવ્યો છું.”

"શું, ભાઈ?”

“તારું જીવતર: તારી પરણેતર.”

“મારી પરણેતર?”

"હા, બાપ, તારી પરણેતર. હૈયાના હેતથી તને વરેલી ઈ તારી પરણેતર, મેં ભૂલથી વેચાણ લીધેલી. વહેવારને હાટડે માનવી વેચાતાં મળે છે; પણ માનવીએ માનવીએ ફેર છે, એની મને જાણ નહોતી, દેવરા!”

“આયર ! ભાઈ!” એટલું જ બોલાયું. દેવરાની છાતી ફાટવા લાગી.

“દેવરા, જરાય અચકાઈશ મા, હું પરણ્યો ત્યારથી જ એ તો મા-જણી બોન રહી છે.”

કપાળ ઉપર પરસેવાનાં ટીપાં બાઝયાં હતાં તેને લૂછતો લૂછતો દેવરો કંઈક વિચારે ચડી ગયો. પછી મનમાં નક્કી કર્યું હોય એવો અવાજે પોતાની માને સાદ પાડ્યો: “માડી ! બેય બોનુને પાનેતર પહેરાવો અને કટંબને બોલાવો; ઝટ કરો, સમો જાય છે.”

ઢોલરો ચેત્યો. “અરે, ભાઈ, આ તું શું કરછ? હું આટલા સારુ આવ્યો’તો?”

“ઢોલરા, તેં તો એવી કરી છે કે મારું ચામડું ઊતરડી તારી સગતળિયું નખાવું તોય તારો ગણ ન જાય ! અને તારા જેવા આયરને મારી બોનું ન દઉં તો હું કોને દઈશ?”

“પણ, ભાઈ બે –"

“બોલ મા !”

દીકરિયું દેવાય, વઉવું દેવાય નહિ,
એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.

“ઢોલરા, ભાઈ, દિકરીઓ તો દેવાય, પણ પોતાની પરણેતરને પાછી આણીને સોંપી દેવી, એ તો મોટા જોગીજતિથીયે નથી બન્યું. હું બે આપું છું, તોપણ તારી ઢાલ (તારું લેણું) તો મારા ઉપર બાકી જ રહેલી જાણજે.”

ઘડિયાં લગન લેવાયાં. થડોથડ બે માંડવા નખાયા. એકમાં દેવરા