પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ,
રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુજાં સેણ.

[હે રાવલ નદી, જેનો ચાર સરે ગૂંથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ ?]

કોઈએ જવાબ આપ્યો નહિ. રાણો રઝળતો બંધ થયો. થાકેલી ભેંસોનું અંતર સાણામાં જ ઠર્યું. જે જૂનાં ભીંતડાં ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે, તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો.

કુંવરને ક્યાં લઈ ગયા હતા ? નાંદીવેલાને ડુંગરે. રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરનાં સાસરિયાંને મળ્યા જ કરતા હતા, અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધાં નાંદીવેલે નિરાંત કરીને રહ્યાં.

સાથે વીજું સાટકે, નાંદે અમારા નેસ,
કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ.

સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે, અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ છે. એને રાણાના સમાચાર મળ્યા કરે છે. એ કહેવરાવે છે કે રાણા, અમારા નેસડા હવે નાંદીવેલા ઉપર છે, ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાનો સુહાગણનો વેશ સળગાવી રહી છે. તું કદી કદી નાંદીવેલે આવજે.

એમ થાતાં થાતાં તો –

આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ
રુદાને રાણો સાંભર્યો. આવી આષાઢી બીજ.

[આસમાનમાં મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયમાં રાણો સાંભર્યો, કેમ કે આષાઢ મહિનાની બીજ આવી.]

કોટે મોર કણુકિયા, વાદળ ઝબૂકી વીજ,
રુદાને રાણો સાંભર્યો. આવી આષાઢી બીજ.

[ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. અષાઢી