પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂત રૂવે ભેંકાર
147
 

"બસ, કાકા?”

સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારા થિયાં,
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.

“હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?”

જીવડો તલખે જંપ નહિ, જાય વાળાની જાન,
અરસી મેલ્યા એકલા, પદમા પાંસલ પ્રાણ.

"ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે –

સખ હૂતું સગા, (તે તો) પદમાસું પાટણ રિયું,
અરસી આ વનમાં, ભૂતથી ભળવું પિયું.

“હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતી પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું. મને એક વાર પરણી લેવા દે."

“શી રીતે?”

“તમારી જાનનો વરરાજો કદરૂપો છે. ઓ કાકા ! એને બદલે મને વરરાજો બનીને માયરે જાવા દે. ચાર ફેરા ફરવા દે.”

“પછી?”

“પછી પાછો વળીને આંહીં વડલાને થાનક ઊતરી પડીશ. નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે.”

કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસવતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને અરસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો તો બીને આંહીં જ ફાટી પડશે! શું કરું? વિમાસણ થઈ પડી.

“કાકા!” ભૂતનો અવાજ આવ્યો: “વાણિયાને ભડકાવવા નથી. હું આંહીં મારી માઢમેડિયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો આપીશ.”