પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


“ના, બોન. આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”

પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી. અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો: “જેસાજી ! વેજાજી ! સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે.”

“બાપુ ! દગો તો નહિ થાય ને ?”

“રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો.”

એ હોંકારા દેનાર કોણ હતું ? માંગડા વાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને આંહીં પાદશાહની દેવડી હેઠળ બા’રવટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને બા’રવટિયાનો ઓશિંગણ ભૂત જેસા-વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કૉલ મળતાં જ એણે જઈને બા’રવટિયાઓને જાણ દીધી.

કચારીમાં બા’રવટાં પાર પડ્યાં. સામસામાં કસુંબા પિવાણા.[૧]

એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ ‘માંગડાનો ડુંગર’ કહેવાય છે.

એટલું કહીને વાર્તા કહેનારે ચલમ હાથમાં લીધી. સગડીના ઓલવાઈ જતા અંગારામાં નવાં કરગઠિયાં નાખીને તાપણું સતેજ કર્યું અને ઝોકે આવેલા માલધારીઓ ભેંસોને પહર છોડતાં પહેલાંની નાનકડી નીંદરમાં પડ્યા.


🐦🙕❀🐦🙕❀🐦