પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કરિયાવર
7
 

ધણીના હાથમાં દીધી. કરિયાવરનો સામાન પાછો ઠલવાઈ ગયો.

વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું તેમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી, દેવળના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આંટાળાં શીંગે શોભતી, ફાંટફાંટ જેટલાં આઉવાળી સાત કૂંઢી ભેંશોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે “ભાઈ આયડુ, આપણી સીમના ઊભા મોલમાં આ સાતેયને પહર ચારવા મંડો અને – મારો બાપ કરું ! – ડિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો; અને એને મન હોય ત્યાં સુધી માંદણે બેસવા દેજો.”

ભરવાડો એ રીતે ભેંસોને સાચવવા મંડ્યા. ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા. બબે જણા બદલાય ત્યારે તો દોવાઈ રહે એવાં તો આઉ ભરાતાં થયાં. એક ભેંસનું દૂધ બીજીને પવાય, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને... અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પિવરાવવા લાગી. છેવટે સાતમીના દૂધમાં સાકર, કેસર ને એલચી-જાયફળ નાખી, અંદર સળી ઊભી રહે એવો ઘાટો કઢો કરી સગી જનેતા જેમ પેટના બાળકને પિવાડે તેમ દીકરી બાપુને પિવડાવવા લાગી.

બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે. શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે, “ગગી બેટા, મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કાંઈ શોભે? અને તું તારી આ ધારણા મેલી દે, બા ! મા’ મહિનાનું તો માવઠું કે'વાય.”

“કાંઈ બોલશો મા, બાપુ.” એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી. દીકરી હતી તે માતા બની ગઈ.

એક મહિનો, બે મહિના ને ત્રણ મહિના – ત્યાં તો સાઠ વરસના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા. કાયાનું અણુયે અણુ કિરણો કાઢતું થયું. ધોળા વાળને કાળપ ચડી. ઘોડે સવારી કરીને સવાર-સાંજ બાપ, સીમાડાની બહાર દોડતાં હરણ સાથે હોડ કરવા લાગ્યો.

અને મોંમાગ્યાં મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પરણાવ્યો.

એક વરસ અને એક દીકરો : બીજું વરસ, બીજો દીકરો; દેવના