પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
6
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 ભાઈ, એને હું કરિયાવર પણ ન દઉં ? અને હવે તો હું મૂએ મારો ગરાસ ને દરબારગઢ તો તમારા જ છે ને ?”

"તું તો ઘણુંયે લુંટાવી દે ! પણ અમે નાના ગીગલા નથી. પાછાં વાળો ગાડાં, નીકર કાંઈક સાંભળશો.!"

હીરબાઈએ આ દેખાવ નજરોનજર દીઠો : બુઢ્ઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે. દીકરીને રૂંવાડે રૂંવાડે ઝાળ લાગી ગઈ. માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરબાઈ નીચે ઊતરી અને બાપુનો હાથ ઝાલી કહ્યું : “બસ બાપુ, પતી ગયું; હાલો, પાછા વળો. ભાઈ ગાડાખેડુઓ, ગાડાં તમામ પાછાં વાળો. આજ શકન સારાં નથી.”

"પાછાં શીદ વળશે?” એવી હાક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે હાંકી લાવ્યો; એનો પંજો એની તરવારની મૂઠ ઉપર પહોંચ્યો.

“કાઠી !” હીરબાઈ એ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો: “કાઠી, આજ કજિયાનું વેળુ નથી; અને તું મૂંઝા મા. સૌ પાછા વળો.”

ગાડાં પાછાં વળ્યાં. હીરબાઈ અડવાણે પગે પાછી ઘેર આવી. ડેલીમાં આવીને જોયું તો બાપુ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે; ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે. એને જોઈને હીરબાઈ બોલી: “કાઠી, તારે હૈયે ધરપત રાખ; તને સંતાપવો નથી.”

એમ કહી પોતાના હેમે મઢ્યા ગળામાંથી ઝરમર કોટિયું. કાંઠલી, ચંદનહાર વગેરે દાગીના કાઢી ધણીને આપતાં આપતાં બોલી: “આ લે કાઠી, તું બીજું ઘર ગોતી લેજે – અને મારી વાટ્ય જોવી મેલી દેજે.”

“કાં ?”

"કાં શું? હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી. મારા બાપના ઘરમાં પીંગલે ભાઈ ન મળે, એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને ! હવે તો પારણામાં ભાઈને હીંચોળીને જ આવીશ, નીકર જીવતરભરના જુહાર સમજજે, કાઠી ને તું વાટ્ય જોઈશ મા; તને રાજીખુશીથી રજા છે : ઘર કરી લેજે. આ લે, આ ખરચી.”

એટલું કહીને બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના