પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીની કોશ
205
 

આડો આંક આવવો : હદ થઈ જવી, પરકાષ્ટા થવી
આતમો વાધવા માંડવો : ઈશ્વરપ્રતીતિ થવી
આદું વાવવા : સત્યાનાશ કાઢવું
આભ-જમીનનાં કડાં એક કરી નાખવાં : પૃથ્વી-આકાશને બળથી માપી લેવાં, અશક્યને શક્ય બનાવવું
આંખ ઠેરાવી : આંખ સ્થિર થવી
આંખ પારખવી : દૃષ્ટિનો ભાગ પારખવો
આંખ રાતી કરવી : ક્રોધ કરવો
આંખો ઠોલવી : આંખો ખાવી (શિકારી પંખી શિકારની આંખો ઠોલી નાખે જેથી શિકારછટકી ન જાય. પણ લોકમાન્યતા પ્રમાણે મરેલા યોદ્ધાની આંખો ખંડક હોય તો કાણા કે બાડાને સ્વર્ગની અપ્સરા વરતી નથી. જૈન લઘુચિત્રમાં એકચશ્મી મુખને પણ બે આંખો ચીતરાય છે તેનું કારણ તેનું અખંડપણું જળવાય તે.)
આંખો ધરતી ખોતરે : લજ્જાથી આંખો નીચે ઢાળવી - આંખો નીચી ઢળીને જાણે કેમભોંયને ખોદતી હોય, એટલી બધી લજ્જા પામવી.
આંખોના તોરણ બંધાવા : રસ્તાની બે બાજુ હારબંધ ગોઠવાયેલી મેદની સ્થિર દૃષ્ટિથી નિહાળી રહે તે
આંધળો ભીંત : સારાનરસાનું ભાન ગુમાવી બેઠેલો
ઈન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા : મેઘગર્જના થવા લાગી.
ઉડામણી કરવી : ઉડાઉ જવાબ આપી છેતરવું

ઉત્તર દિશાનું ઓશીકું : માણસનું મૃત્યુ થાય, ત્યારે તેનું માથું ઉત્તર દિશામાં રાખી સુવરાવે છે કારણ યમનગર દખણાદુ છે.
ઊભા મોલ ભેળવી દેવા : ખેતરમાં ઊગેલા મોલ ચારી દેવા
એક હાથ જીભ કઢાવવી : ત્રાસ આપવો
એકના બે થવું : હઠ છોડવી, નિશ્ચય ફેરવવો
‘એકાદ પછેડી, લડીશ’ : એકાદ પછેડી ચાલે તેટલું (ત્રણેક વરસ) જીવીશ
(ઘોડાને) એડી મારવી : ચાલવાના સંકેતરૂપે ઘોડાને ભાલાની બૂડી અથવા આર મારવી.
એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળા અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે : જન્મથી જ પ્રારબ્ધમાં મહત્તા આલેખાઈ ગઈ હતી.
એને માથે કોણ બેઠા છે? : એના સહાયક કોણ છે?
એબ દેવી : કલંક ચોંટાડવું, અપશબ્દ કહેવો
એરૂ આભડવો : સર્પદંશ થવો.
ઓડા લગાવવા : મોરચા માંડવા
ઓઢણું (માથે) પડવું : ની સ્ત્રી હોવું. (આ સ્ત્રીને માથે અમુક પુરુષનું ઓઢણું પડેલું છે, એટલે એ પુરુષ એનો પતિ છે.)
ઓધાન રહેવું : ગર્ભ રહેવો
ઓરડા ચૂંથવા : ઘરની આબરૂ લેવી
કટકેય ન મૂકવો : પૂરેપૂરો ખતમ કરવો
કડે કરવું : પોતાના કાબૂમાં રાખવું, સાબૂત રાખવું
કઢારે લઈ જવું : ઉછીનું લઈ જવું (અનાજ)
કમળપૂજા ખાવી : શિવલિંગ પર પોતાનું મસ્તક તરવારથી કાપીને ચઢાવવું