પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
20
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 “તો જનોઈ બાળીને પી જાઉં.”

“એમ નહિ, મા’રાજ, જુઓ : તમારું ભાખ્યું જૂઠું પડે, તો જન્મકેદ દઈશ; અને સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો ત્રાંબાનું પતરું.”

ત્રાંબાનું પતરું મંગાવી કલ્યાણમલે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો; આજ્ઞા દીધી કે “ઓગણત્રીસમો દિવસ ઊતરીને ત્રીસમો દિવસ ઊગે, અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપરત કરજો.”

બ્રાહાણને નજરકેદ રાખવામાં આવ્યો. અને ઓગણત્રીસ દિવસની અવધિ ઓરી ને ઓરી આવવા લાગી. થતાં થતાં બાવીસ દિવસ ઊગ્યા ને આથમ્યા, ત્યારે રાજનાં ચતુર માણસોનાં મનમાં વિચાર ઊગ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે, માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગાએ ઓથ લેવો ભલો.

બ્રાહ્મણે કહ્યું : “બરાબર છે. હું નથી કહેતો કે રાજાનું મૉત છે; હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. કોઈ સારો ઓથ લઈને તમે એ ઘાત મોળી પાડી શકશો.”

“ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયા ડુંગરાનું ભોંયરું છે.” એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોંયરામાં છેલ્લું અઠવાડિયું વિતાડવાનું નક્કી થયું. ભોંયરામાં સાફસૂફી થઈ, અને સરંજામ પહોંચ્યો.

વાદળની સાથે વાતો કરતો, જુગજુગથી વીજ-વરસાદના ને તોફાનના ઘા ઝીલતો કાળો જોધપરિયો; કાળના હૈયામાં ખટકતી ખીલી સરીખો, ઈડરની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો છે. એની ભૈરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી. કોઈ વ્રતધારી જોદ્ધો જાણે કવચ પહેરીને આઠેય પહોરની આલબેલ દેતો ઊભો છે.

એવા અટંકી ડુંગરાની પલોંઠી નીચે મોટી દરબાર-કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે. એ પોલાણની અંદર બાવીસમા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણલજીએ, પોતાની થાળીમાંથી કોળિયો લેનાર તેવતેવડા ને બુઝર્ગ મળી પાંચસો સંગાથીઓ સાથે રહેઠાણ આદર્યું, રોજ રાતે ગાણાં-બજાણાંના રંગરાગ રેલાવા લાગ્યા.