પૃષ્ઠ:Rasdhar5.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 થાળી પરથી માખીઓ ઉડાડવા લાગ્યા. રોટલામાં ઘીની ધાર દેવાણી : ધીંગો રોટલો ઘી પી રહ્યો છે : હીપો દૂધની તાંસળીમાં મૂઠી ભરીને સાકર નાખે છે : સામે મા બેઠી છે ને પાછળ કાઠિયાણી વહુ ઘૂમટો તાણીને પોતાના આછા કસુંબલ મલીરમાંથી ત્રાંસી નજરે બે કમળ જેવી આંખો ખેંચીને પોતાના નાથને નીરખી રહી છે. હજુ બે જ દિવસ થયાં એ વહુ બાપના ઘેરથી આણું વળીને, ફૂલેલ તેલના કૂંપા, હિંગળાની ડાબલીઓ, ડબરો ભરીને સુખ અને સ્વામીને વાહર ઢોળવાના આભલે જડ્યા, મોતીભર્યા રેશમી વીંઝણા લેતી આવી છે. હજુ તો ગઈ કાલે જ કરિયાવર પાથરેલો તે જોવા ગામ હલક્યું હતું. ને તેવતેવડી સહિયરોએ એની ભરત ભરેલી ચોપાટ ભાળીને ધરાઈ ધરાઈ હાંસી કરી હતી : ને ગામમાં વાતો થતી હતી કે આવો સુગંધી સોંધો તથા આવું આંખ-ઉજાળતું કાજળ તો કે’દીએ ગામમાં આવ્યું નથી જાણ્યું !

એવી કોડભરી કાઠિયાણી, કંકુની લોળ જેવી, એક હાથે આંગળીઓની વચ્ચે ઘૂમટાની કોરને રમાડતી ને બીજે હાથે બારણાનો ટોડલો ઝાલી કોણી સુધીની પોતાના શરણાઈ જેવા હાથની કળા બતાવતી, ફૂલના હાર ઉપર ભમરા બેઠા હોય તેવાં છૂંદણાંથી શોભતી ઊભી છે, અને બીજી બાજુ જ્યાં હીપો રોટલાનું બટકું ભાંગવા જાય છે, ત્યાં વાહર ઢોળતાં આઈ બોલ્યા : “હેં માડી ! અટાણે નૉ જા તો ? છેટું બહુ ઝાઝું પડી ગયું છે, ને કેણી કોર એ કાળમુખો હાલ્યો તેની થોડી ખબર છે ?”

“ત્યારે શું કરવું, માડી ?” હીપો નીચું માથું રાખીને બોલ્યો.

“આપણે વાવડ કઢાવીએ. ઈ બાપડો માકડ તે જઈને ક્યાં સંતાશે ? વાવડ મળ્યા પછી પાતાળમાં હશે તોય ખોળી કાઢશું. અને આમ ને આમ જાવાથી એક તો ઘોડીને પેટપીડ ઊપડશે અને વળી ઈ પીટ્યો રાખહ તુંને એકલાને પોગવાય કેમ દેશે ?”

“ફુઈ !” ઘૂમટામાંથી જુવાન વહુનો અવાજ આવ્યો.

“કેમ, બેટા?”

“તો તો પછી, ફુઈ, હવે ગલઢેરો વછેરી ઉપર બેસીને ગામતરું કરી રિયા !”