પૃષ્ઠ:Rasdhar5.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવંતી સરાણે ચડીને પાર ઊતર્યા એ આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાઓ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે. રસધારના ત્રીજા ભાગને છેડે (અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આપ્યા છે. કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા એનો ઉપયોગ કરીને આ અર્થસારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીનો લાભ મળ્યો છે. રસધારની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડ્યા છે. એમાં એમનો ‘રસધાર’ અને તેના લેખક પ્રત્યેનો ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ.

28 ઑગસ્ટ 1980: 84મી મેઘાણી-જયન્તી
જયંત મેઘાણી
 

‘સોરઠી બોલીનો કોશ’ અને ‘કાઠી અને ચારણી બોલીની ખાસિયતો’ એ બેઉ પરિશિષ્ટો સૌરાષ્ટ્રની રસધારની અગાઉની આવૃત્તિઓમાં ત્રીજા ભાગમાં હતા. એ સામગ્રી હવે પાંચમા ભાગના અંતમાં મૂકી છે. પાંચેય ભાગની કથાઓની સંકલિત સૂચિ પણ હવે પાંચમા ભાગમાં ઉમેરી છે.

2003
જયંત મેઘાણી
 

[7]