પૃષ્ઠ:Rasdhar5.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
66
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 મોખરે ફગ સોતી સાંગ, પછી ગરણિયો અને વાંસે અસવારો : એમ અસવારી ચાલી. ગામડે ગામડે સામૈયાં, વધામણાં અને કંકુના ચાંદલાં. ગામડે ગામડે ચોરામાં દાયરો ભેળો થાય છે, ગરણિયાના શૂરાતનની વાત મંડાય છે, શરમાળ આયર નીચે નિહાળીને બેઠો રહે છે. ઘાટા કસુંબાની અંજળીઓ ઉપર અંજળીઓ અપાય છે. એમ થતાં થતાં ભાવનગર આવ્યું.

શરમાતે પગલે ગરણિયો મેડી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે શૂરવીરનું ડોકું દેખાણું, તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારે પલા ઝાટકીને અઢારસેં પાદરના ધણી ઊભા થઈ ગયા.

“અરે બાપ ! રે’વા દ્યો ! મને ભોંઠામણ દ્યો મા !” એમ ભીમે અવાજ દીધો.

પણ મહારાજની તો છાતી ફાટતી હતી. એ શી રીતે અટકે ? આઠ કદમ સામા ચાલ્યા.

“આવો ! ગરણિયા, આવો ! આવો !” એમ આદર દીધો, પણ મોંમાં શબ્દ સમાતા નથી.

દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું. લઈ જઈને પોતાને પડખે બેઠક દીધી. મરક ! મરક ! મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દૂબળાપાતળા પરોણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય છે. ભીમાની પાંપણો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે, અને મોંએ શરમના શેરડા પડે છે.

આખી વાત માંડીને દાદન શેખે કહી સંભળાવી. સાંભળીને મહારાજ મોંમાં આંગળા નાખી ગયા.

“ગરણિયા !” મહારાજે પૂછ્યું : “શું દરબાર તમને પાળે છે ?”

“ના બાપુ, હું તો વડિયા તાબે અકાળા ગામનો વાસી છું. અહીં તો સગાવળોટે આવ્યો’તો.”

“ઠીક, મેરુજી ! ત્રાંબાનું પતરું મંગાવો.” મહારાજે વજીરને કહ્યું.

ત્રાંબાનું પતરું આવ્યું.

“લખો ચાર સાંતીની જમીન : બે વાડીના કોસ : રાજની ગાદીએ દીવો રહે ત્યાં સુધી ભીમા ગરણિયાના વંશના ખાય.”