પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
86
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

એનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. એના શરીરમાં થરેરાટી છૂટી અને હોઠ કંપવા લાગ્યાં. ધીરેધીરે ક્રોધ ઊપડવા લાગ્યો, આંખો તાંબાવરણી થઈ ગઈ.

‘અરરર ! એક સ્ત્રીની જાત ઊઠીને આટલી હદ સુધી મને તરછોડે ? પરણ્યા પછી પારકા પુરુષનું નામ ન છોડે? એમ હતું તો મને પ્રથમથી કાં ન ચેતવ્યો? મારી ફજેતી શીદ બોલાવી? મને ટળવળતો કાં કરી મેલ્યો ? બળાત્કાર કરું ? ચોટલે ઝાલીને બહાર કાઢું ? કે આંહીં કટકા કરું?’ થર ! થર થર ! થર ! આખું અંગ ધ્રૂજી ઊઠ્યું. ધગધગતા શબ્દો હોઠે આવીને પાછા વળી ગયા.

‘ના, ના, જીતવા ! એમાં એનો શો ગુનો? જન્મનો જે સંગાથી હતો એના પરથી સ્ત્રીનું હેત શી રીતે ખસે? આખો ભવ બાળીને પણ આંહીં કુળમરજાદને કાજે મારાં વાસીદાં વાળવા જે તૈયાર થઈ રહી છે એ શું મારવા લાયક, કે પૂજવા લાયક? હું ભૂલ્યો. મારા સ્વાર્થે મને ભાન ભુલાવ્યું. આવી જોગમાયાને મેં દૂભવી !’

અંતરમાં ઊછળેલું બધુંય વિષ પી જઈને ઢોલરો બહાર નીકળ્યો, ઓશરીમાં પથારી નાખીને ઊંઘી ગયો. આણલદેએ આખી રાતનું જાગરણ કર્યું.

ભળકડું થાતાં તો આણલદે ઘરના કામકાજમાં સહુની સાથે વળગી પડી. છાણના સુંડા ભરીભરીને ભેગા કરવા માંડી, વાળવા લાગી અને તેવતેવડી નણંદોની સાથે છાશનું વલોણું ઘુમાવવા લાગી. સાસુજીએ ઊઠીને નવી વહુને ધૂળરાખમાં રોળાતી દેખી.

“અરે દીકરા, આવીને તરત તે કાંઈ વાસીદાં હોય? મેલી દે સાવરણી. હમણાં તો, બેટા, તારે ખાવાપીવાના ને હરવાફરવાના દી કેવાય.”

"ના ફુઈ, મને કામ વગર ગોઠે નહિ. પાંચ દી વે’લું કે મોડું કરવું તો છે જ ને?”

વહુના હાથ અડ્યા ત્યાં ત્યાં જાણે મોતીડાં વરસ્યાં, સાસુ ને નણંદો તો હોઠે આંગળાં મેલીને ટગર ટગર જોઈ જ રહી કે કેવી ચતુર વહુ આવી છે !

પણ વચ્ચે વચ્ચે વહુના હાથમાં સાવરણી ને નેતરાં થંભી જાય છે. વહુને કોઈ બોલાવે તો એ સાંભળતી નથી. આંખો જાણે ક્યાં ફાટી રહે છે.