પૃષ્ઠ:Rasdhar5.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુજીને કાંઠે
85
 


“આયર, આ ચોટલામાં તો બીજા હાથનો દોરો ગૂંથાઈ ગયો અને ક્યારની એ ગાંઠ વળી ગઈ. હવે તું આઘેરો રે’જે. સંસારને સંબંધ હું તારી પરણેતર ઠરી છું ખરી, ને મરીશ ત્યાં સુધી તારા ઘરમાં રહી તારાં ગોલાપાં કરીશ, પણ તારો ને મારો છેડોય અડવાના રામરામ જાણજે.”

ઢોલરો સમજી ગયો, ઘૂંટડો ગળી ગયો, પણ માન્યું કે થોડી પંપાળીશ ત્યાં જૂની પ્રીત ભૂલીને નવા નેહ બાંધશે. એવું ચિંતવીને ફરી વાર ફોસલામણાં આદર્યાં : “આણલદે ! મૂંઝા મા, ઉતાવળી થા મા. એમ કાંઈ આખો ભવ નીકળવાનો છે ? આપણો તો આયર વરણ : જૂની વાતો ભૂલી જાવામાં આપણને એબ નથી. આવ, આપણે ચોપાટ રમીએ.”

“ઢોલરા ! તું જેવો ખાનદાન આયર આજ શીદ ચીંથરા ફાડી રહ્યો છે ? તુંને ખબર નથી, આયર, પણ –”

સાવ સોનાને સોગઠે, પરથમ રમિયલ પાટ,
(તે દી) હૈયું ને જમણો હાથ, દા’માં જીતેલ દેવરો.

“કાંઈ નહિ. આણલદે, તારું ચિત્ત ચકડોળે ચડ્યું છે. આજની રાત તું નીંદર કરી જા. મનના ઉકળાટ હેઠા બેસી જશે. લે, તને ઢોલિયો ઢાળી દઉં. સુખેથી સૂઈ જા, બીશ મા, હું મરજાદ નહિ લોપું.”

એમ કહીને ઢોલરાએ ઢોલિયો ઢાળીને તે પર મશરૂની તળાઈ બિછાવી. પણ આણલદેને તો એ ગોખરુની પથારી બરાબર છે :

કિમ સોઉં સજણા, મેં સૂતેય સખ નહિ,
પાંપણનાં પરિયાણ, ભાળ્યાં પણ ભાંગે નહિ.

“મારે શી રીતે સૂવું ? મારી બે પાંપણો નોખી પડી ગઈ છે, એ દેવરાનાં દર્શન કર્યા વિના તો ભેળી જ થાય તેમ નથી. પોપચાં બિડાવાની જ ના પાડે છે. જે દી એને જોશું તે દી જ હવે તો જંપીને સૂશું, નીકર જીવતર આખુંય જાગવાનું છે.”

મનાવી મનાવીને ઢોલરાની જીભના કૂચા વળી ગયા, મનોરથ જેના મનનાં માતા નથી એવો ફાટતી જુવાનીવાળો આહીર આજ પરણ્યાની પહેલી રાતે પોતાની પરણેતરના આવા આચાર દેખીને અંતરમાં વલોવાઈ ગયો.