પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સરમાં કરે સાન તે ભારી,
નનકડાં સેણને નો રાખીએ મારી !
સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,

મધ્યાહ્ન થયો. ગામના મારગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે ? આજ કાં એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી ?

ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી.

"કાં બાપુ, અટાણે કેમ ?"

આંખો લૂછતો ધમળ બોલ્યો : "ભાઇ ! ગજબ થયો. વહુને તો એરુ આભડ્યો. દીકરી મારી ! જોતજોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહ્યું."

"ક્યાં છે ?"

"એને તો દેન દેવા લઇ ગયા."

"એ-એ-એમ ? એટલું છેટું પડી ગયું ?" આટલું બોલતાં તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. 'હાં ! હાં ! હાં !' કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહીલોહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો.

બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો, અને પેલી આયરાણીએ રોયુ, કૂટ્યું, પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભાં ઊભાં જોયા અને ઝૂરવા લાગી.

ચૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઇ ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઇને બે-ચાર આંસું પાડ્યાં. પણ મનની વેદનાને ભૂંસાતાં શી વાર લાગે ? બાર મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગનાં સંભારણાં નીકળી ગયાં. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું, 'હવે શી વાર છે ?'