પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જુવાન પ્રીતિના દુહા ગાય છે : અને માથે ઝાડની ઘટામાં કોયલ ટૌકે છે. મંડાણની ગરેડી જાણે કોઇ સજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આઘે આઘે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે.

જોઇ જોઇને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે :

સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ,
મરે પણ મેલે નહિ, જેણે બાળપણાની બેલ્ય:
બાળપણાની બેલ્ય તે લાગી ગુગળી,
સોજાં સાજણ ને ઉત્તરની વીજળી,
ઘડતાળિયા જીવ ને થઇ લે-મેલ્ય,
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!

વેણે વેણે વાડી પડઘા પૂરે છે. મોરલાય સામા ચંદ્રાવળા ગાતા હોય તેવા, ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે. અને વળી પાછો નાગ કોસ ખેંચતો લલકારે છે :

સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ,
દૂધમાં સાકર ભેળીએ, તે કવોક લીએ મેળ :
કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ,
વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ,
ચંપે ને મરવે વીંટાણી નાગરવેલ !
ચુડ કે સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ.

એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઇને આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે :

સજણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
માલમી આવે મલપતા, સરમાં કરે સાન :