પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જુએ : "હેં આયર ! હું મરું તો તમે શું કરો ?"

ગળગળો થઇને નાગ કહેતો : "મારા સમ ! એવું તું બોલ મા."

"ના, ના, પણ આમ જુઓ ! આ માથાની લટ ઊડી-ઊડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે !"

"હું તને કરગરીને કહું છું કે એવું બોલ્ય મા."

"એમાં શું ? પુરુષને તો સ્ત્રી મરી ને ખાસડું ફાટ્યું એ બેય વાત બરોબર. હું મરું તો શું તમે બીજી નહિ પરણો ?"

આયરે નિસાસો નાખી કહ્યું : "પ્રભુને ખબર !"

"ત્યારે શું સતા થશો ?"

આવા મર્મપ્રહાર ક્યાં સુધી સહેવાય ? ધ્રુજતે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો : "એક વાર મરી જુઓ, પછી જોઇ લેશું. મને નખરાં નથી આવડતાં."

પોતાના ધણીની મમતા જોઇને સ્ત્રી એને ગળે બાઝી પડી; ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. બેય જણાં પાછાં વિનોદમાં પડ્યાં.

રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો. એ હતો નાગનો બાપ ધમળ પોતે. ખોરડું સાંકડું હોવાથી ધમળ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છ્યે પણ સંભળાઇ જાતી. સાંભળીને મનમાં મનમાં એ હસતો. એના અંતરમાં થતું : 'જો ને આ જુવાનિયાં ! તાજી પ્રીતમાં ગાંડાંતૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં !'

રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાંતી જોડી ખેતરે જાય, તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજે વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો, જેમ વાછરુ પોતાની માની વાટ જોઇ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડી સાંતીના ખખડાટની વાટ જુએ.

એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. કોસ હાંકતો હાંકતો આયર