પૃષ્ઠ:Rasdhar 1.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

આહીર યુગલના કોલ


"આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?"

"એવું અમંગળ શું કામ ભાખો છો ?"

"ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો ?"

"તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે ?"

"મરવું શું રેઢું પડ્યું છે ? આ ભરપૂર જોબન, આ છલકાતાં રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવાં દોહ્યલાં છે ! એ તો મોંએ વાતો થાય."

"હશે, પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમા હશે. પોતાની પરણેતરની વાંસે કોઇ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે, આયર !"

કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો. નામ ધમળો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણ્યાં હજુ ચારપાંચ મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી.

ઉપરની વાતો કરનારાં ધણી-ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સૂવાના ઓરડામાં ઢોલિયા પર બેઠાં બેઠાં ચાતકની જોડલી સમાં આ અભણ સ્ત્રી-પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યાં હતાં. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટ્યે ફૂલ ચડી ગયેલ છે.

નાગને મનમાં થાતું : "ઓહો ! શું આ સ્ત્રીનું મારા ઉપર હેત ! મારી પાછળ આ બિચારી ઝૂરી-ઝૂરીને મરે હો !"

રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી