પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

દેપાળદે


ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીસ સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં.

રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ ! મે’ વરસાવો ! મારાં પશુ, પંખી અને માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’ પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઊગ્યાં.

દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુ:ખી ? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ ?’ ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય. ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા ! ધીંગા અને ધફડિયા.

પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે, પણ હળને બેય બાજુ બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી.