પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માણસ હળ હાંકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે, બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા. જઈને કહ્યું: ‘અરે ભાઈ ! હળ તો ઊભું રાખ !’

‘ઊભું તો નહિ જ રાખું. મારે વાવણી મોડી થાય તો ? તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી ! મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર !’ એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વીનવ્યો : ‘અરેરે, ભાઈ ! આવો નિર્દય ? બાયડીને હળમાં જોડી !’

‘તારે શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.’

‘અરે ભાઈ, શીદ જોડી છે ? કારણ તો કહે !’

‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું ? એટલા માટે આને જોડી છે !’ ‘સાચી વાત ! ભાઈ, સાચેસાચી વાત ! લે, હું તને બળદ લાવી આપું, પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’

‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલા નહિ છોડું. હળને ઊભું તો નહિ જ રાખું. આ તો વાવણી છે, ખબર છે ?’

રાજાએ નોકર દોડાવ્યો : ‘જા ભાઈ, સામાં ખેતરોમાં. મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’ તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે.

રાજા બોલ્યા : ‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’