પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેડૂત બોલ્યો : ‘આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ. ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછાં થઈ જાય !’

રાજાજી દુભાઈ ગયા : ‘તું પુરુષ થઈને આટલો બધો નિર્દય ? તું તો માનવી કે રાક્ષસ ?’

ખેડૂતની જીભ તો કુહાડા જેવી ! તેમાંય પાછો ચારણ ખેડૂત ! બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે ! એવું જ બોલ્યો : ‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જા ને ! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો ?’

‘બરાબર ! બરાબર !’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા. અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું : ‘લે, છોડ એ બાઈને અને જોડી દે મને.’ બાઈ છૂટી એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં. ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંક્યે જાય છે.

ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો, ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એ તો રાજાનાં વારણાં લેવા લાગી : ‘ખમ્મા, મારા વીરા ! ખમ્મા, મારા બાપ ! કરોડ દિવાળી તારાં રાજપાટ તપજો !’ દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા.

ચોમાસું પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા ! દરેક છોડની ઉપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું ? વેંત વેંત જેવડું ! ડૂંડામાં ભરચક દાણા ! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા.