પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો. પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ! (એટલે કે એક પણ ડૂંડામાં દાણા જ ન મળે ) આ શું કૌતુક ! ચારણને સાંભર્યું : ‘હા હા ! તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા ! એનાં પગલાં પડ્યાં એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા !’ ખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘જા, જઈને જોઈ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું.’

બાઈ કહે : ‘અરે ચારણ ! હોય નહિ. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’

‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી !’

દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે : ‘હે સૂરજ, તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે ? મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ !’

જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડા નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા બધા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે !

આ શું કૌતુક !

પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી.

ચારણી હળવે હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં લીધું. હળવે હાથે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું.