પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આહાહાહા ! આ શું ? દાણા નહિ, પણ સાચાં મોતીડાં ! ડૂંડે ડૂંડે મોતીડાં; ચકચકતાં રૂપાળાં: રાતા, પીળાં અને આસમાની મોતીડાં. મોતી ! મોતી ! મોતી ! રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યાં !

ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો : ‘અરે, મૂરખા, ચાલ તો મારી સાથે ! તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો.’ પરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘ઓહોહો ! મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી !’ બધાં મોતી ઉતાર્યાં. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે ! રાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં.

રાજાજી પૂછે છે : ‘આ શું છે, ભાઈ ?’

ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો :

જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે !

[હે દેપાળદે રાજા ! જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને! – આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ! ]

રાજાજી તો કાંઈ સમજ્યા નહિ.

‘અરે ભાઈ ! તું આ શું બોલે છે ?’

ચારણે બધી વાત કરી.

રાજાજી હસી પડ્યા : ‘અરે ભાઈ ! મોતી કાંઈ મારે પુણ્યે નથી