પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

સેજકજી

તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ,
નર પટાધર નીપજે, આયો મરધર દેશ.

ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે : એવી રણ-સળગતી છતાં રૂપાળી મરુભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું.

ખેડગઢ ગામની પનિયારીઓ હરહંમેશાં ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે, "અહોહો; ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે !"

એ ધણી-ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી. વજો ડાભી શાખાનો રજપૂત હતો. ડાભીનું એ એક જ ખોરડું હતું. બાકી ગામના તમામ રજપૂતો રણા શાખાના હતા. રણા રજપૂતોને એકનો એક ડાભી છાતીમાં શૂળાની માફક ખટકતો; પણ રાજાજીનો એ માનીતો વજીર હતો. એની રિદ્ધિસિદ્ધિ સહુને સાલતી, એનું સંસારસુખ પણ શત્રુઓથી સહેવાતું નહિ. પનિયારીઓ આપસ-આપસમાં વાતો કરતી કે, "એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઇશ્વર કોને કયા પુણ્યનાં બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ નથી પડતી, બાઇ!"

એક દિવસ વજીરનાં વહુ ભેંસ દોવા બેઠાં છે. એની જોરાવર આંગળીઓની અંદર ધીંગાં આંચળ રમી રહ્યાં છે, ઘૂમટો તાણ્યો છે-કારણ, સામે જ એના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે. તેવામાં સામે એક કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો. સાપ છેક લગોલગ આવી પહોંચ્યો, પાસે કોઇ માણસ નહોતું. ચીસ પાડે તો રજપૂતાણીની હાંસી થાય, ચાલી જાય તો સાપ એ હાથણી જેવી ભેંસને