પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફટકાવે, અને ચૂપચાપ બેસી રહે તો પોતે એ કાળનો ભક્ષ બને!

વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો. પણ ક્ષત્રિયાણી ન થડકી. એને સૂઝી આવ્યું. પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી. સાપનું બાકીનું શરીર બાઇના પગને વીંટળાઇ ગયું. ચૂપચાપ શાંતિથી બાઇએ દોવાનું કામ પૂરું કર્યું, દરમ્યાન એના પગ હેઠે સાપની જીવનલીલા પણ પૂરી થઇ હતી. ઊઠીને મરેલા સાપની પૂંછડી ઝાલી પછવાડેના વાડામાં ઘા કરી, એ કોણીઢક ચૂડાવાળી રજપૂતાણી દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઇ. સામે બેઠેલો બુઢ્ઢો સસરો આ બધો તમાશો એકીનજરે નિહાળી રહ્યો હતો.

સાંજ પડી; દીકરો દરબારમાંથી ઘેર આવ્યો. બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું : "વજા, હું કહું એમ કરીશ ?"

બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો : "ફરમાવો એટલી જ વાર."

"ત્યારે તારી સ્ત્રીનો આ જ ઘડીએ ત્યાગ કર."

વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો. એની આંખમાં અંધારાં આવ્યાં. એનાથી બોલાઈ ગયું : "કોનો ?"

"તારી ઠકરાણીનો" એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સૂરે કાને અથડાયો.

વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે 'બાપુ વિના કારણે કદી આવું ન ફરમાવે. નક્કી કાંઈક બન્યું છે.'

પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો. આજ મોતના મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આતુર હૈયે વાટ જોતી બેઠી હતી, કે ક્યારે એ આવે ને હું પિયુજીને મારા પરાક્રમની વાત કરું !

એ આવ્યો. હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે, ત્યાં તો ધણીએ હુકમ સંભળાવ્યો કે, "તને અટાણથી રજા છે."

રજપૂતાણીએ પલક વારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી. એને માત્ર એટલુ જ સામું પૂછ્યું કે, "મારો વાંક શો?"