પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

" એ તો બાપુ જાણે."

"બાપુની આ આજ્ઞા છે?"

"હા, બાપુની."

એ ને એ વસ્ત્રે ઘૂમટો તાણીને રજપૂતાણી સસરાજી પાસે ગઇ. પાલવ પાથરીને પૂછ્યું : " બાપુ, મારો કાંઈ વાંક-ગનો?"

"બેટા !" સસરાએ જવાબ દીધો, "તમારો કાઈ વાંક-ગનો નથી થયો; પણ તમારે અને અમારે માગણું નહિ એટલે આમ બન્યું છે. બીજો કાંઈ ઉપાય નથી."

સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળુકી સ્ત્રી કોઈક દી એના ધણીનો પ્રાણ લેશે!

એજ વખતે વેલડું જોડાયું, રજપૂતાણી ધણીનું મોં પણ જોવા ન પામી. વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું.

રજપૂતો, મારી દીકરીને હવે સુખ નથી જોતું. એને તો હું હવે મરેલી જ માનું છું, પણ મારે વેર લેવું છે. મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી, એનો બદલો લેવો છે. એના શત્રુ રાણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને અમારી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે."

"પણ ભાઈ, કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ઘલાય."

"કારણ કોઈ એ નથી કહ્યું. અરેરે, રણા ભાઈઓ ! વેર લેવાનો આવો જોગ ફરી નહિ મલે હો! કોઈક તો રજપૂત બચ્ચો નીકળો !

"ઓલ્યો કોઢિયો બાયડી વિનાનો છે. એના ઘરમાં બેસશે તારી દીકરી ?"

"મડદાના ઘરમાં પણ બેસશે."

ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ. એક કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ. વજા ડાભીને એ ખબર પડી. રનાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા.